Ad Code

માવલી માડીને મળતી આવતી 'કનસેરી માડીની' પૂજા અર્ચના

 


દિવાળી તહેવાર પછી  ડાંગર પાકની કાપણી કરી અનાજનો ઉપયોગ કરતાં પહેલાં કુળદેવી કંસેરી માડીની પૂજા અર્ચના કે હોમહવન કરવામાં આવે છે.દર વર્ષે દિવસ દરમ્યાન પૂજા અર્ચના અને યજ્ઞ કરવામાં આવે છે. પરંતુ જ્યારે પાંચ વર્ષ પૂરા થાય ત્યારે આ રાતપાયલીનો કાર્યક્રમ કરવામાં આવે છે.જેમાં આદિવાસી સમાજનાં પુરુષ ભગત કે સ્ત્રી ભગતાણી  તેમની સમજણ પ્રમાણે પૂજાવિધિ કરે છે.

માતાની જોડીના વિવિધ પ્રકાર હોય છે. જેવા કે કંસેરીની જોડી, દશામાની જોડી, ઘરધણીની જોડી, ઘાટી વણઝારાની જોડી સામેલ હોય છે. સૌપ્રથમ કંસેરી માડીને સ્નાન કરાવી પીઠી લગાવવામાં આવે છે.  વાંસનો મંડપ બનાવી તેને આંબા અને લીમડાનાં પાનના તોરણ અને લાલ ધજા બાંધવામાં આવે છે. અને લાલ કપડા પર ચોખાની નાની નાની ઢગલી કરી તેના પર કંસેરી માડીની સ્થાપના કરવામાં આવે છે.  ત્યાર બાદ દેવી દેવતાની લગ્ન વિધિ આખી રાત દરમ્યાન ચાલે છે. આ પૂજા વિધિ માટે તૂર અને થાળી તેમજ ઘાંઘળી વાજિંત્રની જરૂર પડે છે. તેમજ માતાની સાજ સજાવટ માટે કાંસકી,બંગડી,ચાંદલા,અત્તર, વેલણ અને માળાની જરૂર પડે છે. આ પૂજા વિધિ માટે  "કોળુંની" ખાસ જરૂર પડે છે. જેને પૂજા પૂર્ણ થવા પહેલાં તોડી તેનાં બીજને પાક ભરેલ કોઠીમાં નાખી અન્ન દેવતાને પ્રસાદ ધરાવાય છે. અને બીજા દિવસે કોળાની ખાસ વાનગી "પનેલા" બનાવવામાં આવે છે. કન્સેરી માડી ખેતરના પાકોનું રક્ષણ કરે છે તેવી શ્રદ્ધા આદિવાસી સમાજ ધરાવે છે. તેમજ ખેતરમાં નવા ઉગાડેલા શાકભાજીનો ભોગ પણ ધરાવવામાં આવે છે. માટીનું નાનું પાણી ભરેલાં બેડા પર શ્રીફળ મૂકી માતાના સ્થાન નજીક મૂકવામાં આવે છે.લગ્ન વિધિ સમયે સ્ત્રીઓ દ્વારા લગ્નગીત ગાવામાં આવે છે. તુરના તાલે ભગત કે ભગતાણી માતાના મંડપની ફરતે  ધુણતો કે ધુણતી ગોળ ગોળ ફરે છે. આ ધૂણવાની ક્રિયાને 'હાજરી' કહેવામાં આવે છે. આ દરમ્યાન ઘરમાલિક દ્વારા વિવિધ પ્રશ્નો પૂછવામાં આવે છે. રાત્રિ દરમ્યાન ચાર પાંચ વાર વિરામ લઈ આ કાર્યક્રમ ઠેઠ સવાર સુધી ચાલે છે.  અને સવારે  માટીની ડાંગર (ભાત) ભરેલી નાની કોઠી પર પાટલો મૂકી કન્સેરી માંડવીની સ્થાપના કરવામાં આવે છે. અને સાથે સાથે બરમદેવ બાપાના સ્થાનક પાસે યજ્ઞ કરી પૂર્ણાહૂતિ થાય છે. ત્યારબાદ દરરોજ પૂજા કરવામાં આવે છે. અને વારતહેવારે શ્રીફળનો ભોગ ધરાવવામાં આવે છે. 

આ ધાર્મિક પ્રસંગે સગાસંબંધીઓને આમંત્રણ આપી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે.  આદિવાસી સમાજમાં કન્સેરી પૂજાનું વિશેષ મહત્વ હોય છે.  

ઉપરોક્ત માહિતી શરદભાઈનાં ઘરે પૂજા વિધિમાં ઉપસ્થિત રહેલ ભગત પાસેથી મેળવી આ બ્લોગમાં પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. કદાચ આદિવાસી વિસ્તાર પ્રમાણે રીતમાં થોડાઘણાં અંશે અંશતઃ ફેરફાર હોઈ શકે!

હાલમાં સરકારી નોકરીમાં સાચા આદિવાસી તરીકેની ઓળખ સાબિત કરવા માટે વિવિધ પુરાવા જેવા કે બોલી, લગ્નવિધિ, ધાર્મિક પૂજા, કુળદેવી, અને કુળ કે ગોત્રનાં પુરાવા રજૂ કરવા માટે પરિપત્રો થયેલ છે. જે આ ધાર્મિક પૂજા વિધિ આદિવાસી સંસ્કૃતિની ઓળખનો પુરાવો છે.

Post a Comment

0 Comments